મિશન ચંદ્રયાન 2: સફળ લોન્ચ કરી ભારતે રચ્યો ઇતિહાસ, 48 દિવસે ચંદ્ર પર ઉતરશે

મિશન ચંદ્રયાન 2: ભારતના મહત્વકાંક્ષી મિશન ચંદ્રયાન-2 ને ઈસરોએ નિર્ધારિત સમય 2:43 કલાકે સફળતાપૂર્વક લોન્ચ કરી ભારતે વિશ્વમાં ઇતિહાસ સર્જ્યો છે. 

મિશન ચંદ્રયાન 2: સફળ લોન્ચ કરી ભારતે રચ્યો ઇતિહાસ, 48 દિવસે ચંદ્ર પર ઉતરશે

ચેન્નાઈ: ભારતે 22 જુલાઈ 2019ના રોજ બપોરે 2:43 કલાકે અંતરિક્ષની દુનિયામાં ઊંચી છલાંગ લગાવી છે. શ્રી હરિકોટાના સતીષ ધવન અંતરિક્ષ કેન્દ્રથી જીએસએલવી માર્ક તૃતીય પ્રક્ષેપણ યાનથી અંતરિક્ષ યાન ચંદ્રયાન-2ને લોન્ચ કરીને ભારતે દુનિયામાં પોતાનો દમ દેખાડ્યો છે. લોન્ચ  કર્યા બાદ પ્રાથમિક રિપોર્ટમાં ઈસરોએ કહ્યું કે રોકેટની ગતિ અને હાલાત સામાન્ય છે. ચંદ્ર અને પૃથ્વી વચ્ચે 3,84,000 કિમીનું અંતર છે. આ અંતરને કાપવામાં યાનને કુલ 48 દિવસ લાગશે. તે દિવસે તે ચંદ્રના સાઉથ પોલ એટલે કે દક્ષિણ ધ્રુવ પર ઉતરણ કરશે. ચંદ્રયાન-2 પોતાની મુસાફરી દરમિયાન બે ભાગમાં વિભાજીત થશે. ચંદ્રયાન-2નો એક હિસ્સો કક્ષામાં અને બીજો હિસ્સો ચંદ્ર પર ઉતરણ કરશે. લોન્ચિંગના 20 કલાક પહેલા જ્યારે ચંદ્રયાન-2નું કાઉન્ટ ડાઉન શરૂ થયું હતું ત્યારે ઈસરો સહિત સમગ્ર ઈન્ડિયા આ ઐતિહાસિક પળના સાક્ષી થવા માટે આતુર હતાં. 

ભારતના મહત્વકાંક્ષી મિશન ચંદ્રયાન-2 ને ઈસરોએ નિર્ધારિત સમય 2:43 કલાકે લોન્ચ કર્યું. ખુબ જ કપરાં મિશનના લક્ષ્ય સુધી પહોંચવું એ કોઈ ચમત્કારથી જરાય કમ નથી. શ્રી હરિકોટાના સતીષ ધવન અંતરીક્ષ કેન્દ્રથી લોન્ચિંગ બાદ મિશનને ચંદ્ર સુધી પહોંચવામાં 40 દિનથી પણ વધુ સમય લાગશે. આ મિશનનો સૌથી તણાવવાળો અને કપરો સમય ગણવો હોય તો તે ચંદ્ર પર લેન્ડિંગ અગાઉના 15 મિનિટ હશે. ભારતીય અંતરીક્ષ એજન્સી ઈસરોના ચીફ કે સિવને કહ્યું કે લેન્ડિંગ પહેલાની છેલ્લી 15 મિનિટ ખુબ જ પડકારજનક રહેશે. કારણ કે તે સમયે અમે કઈંક એવું કરીશું કે જે અત્યાર સુધી ક્યારેય કર્યું નથી. અત્રે જણાવવાનું કે 15 જુલાઈના રોજ ક્રાયોજેનિક એન્જિનમાં લીકેજના કારણે ચંદ્રયાન 2નું લોન્ચિંગ ટળી ગયું હતું. ત્યારબાદ ઈસરોએ લોન્ચિંગની નવી તારીખ 22 જુલાઈ બપોરે 2:43 કલાકનો સમય નક્કી કર્યો હતો.  

ચંદ્રયાન 2ના લોન્ચિંગનું લાઈવ ટેલિકાસ્ટ જુઓ...

— ANI (@ANI) July 22, 2019

ચંદ્રયાન-2ના લોન્ચ થતા પહેલા ISROએ આ મિશન અંગે સંપૂર્ણ જાણકારી આપી હતી.  ચંદ્ર અને પૃથ્વી વચ્ચે 3,84,000 કિમીનું અંતર છે. આ અંતર કાપવામાં કુલ 48 દિવસ લાગશે. શ્રીહરિકોટા સ્થિત ઈસરોના મિશન કંટ્રોલ સેન્ટરમાં ચંદ્રયાન 2ના લોન્ચિંગ માટે 250 વૈજ્ઞાનિકની ટીમ લાગેલી હતી.  ચંદ્રયાન-2 અંતરિક્ષ યાનને બાહુબલી રોકેટ કહેવાતા જીએસએલવી માર્ક 3-એમ1 રોકેટની મદદથી બપોરે 2:43 કલાકે લોન્ચ કરાયું.

3.8 ટન વજન છે ચંદ્રયાનનું
ભારત તરફથી ચંદ્ર તરફ પ્રયાણ કરનારા ચંદ્રયાન-2નું વજન 3.8 ટન (3850 કિગ્રા) છે. આ ચંદ્રયાન-2 હેઠળ એક ઓર્બિટર, એક લેન્ડર અને એક રોવર પણ ચંદ્ર પર જશે. જેમના નામ ચંદ્રયાન-2 ઓર્બિટર, વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર છે. ચંદ્રયા-2ને ઈસરો આજે લોન્ચ કરી રહ્યું છે. પરંતુ ચંદ્રની સપાટી પર લેન્ડર વિક્રમ 7 સપ્ટેમ્બર 2019ના રોજ લેન્ડ કરશે. 

978 કરોડનો  ખર્ચ 
ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો)ના જણાવ્યાં મુજબ ચંદ્રયાન-2 મિશનના લોન્ચિંગનું કાઉન્ટડાઉન રવિવારે સાંજે 6.43 કલાકે શરૂ થયું હતું. ચંદ્રયાન-2 પ્રોજેક્ટ 978 કરોડ રૂપિયાનો છે. કાઉન્ટ ડાઉન દરમિયાન રોકેટ અને અંતરિક્ષ યાન તંત્રની તપાસ કરાઈ અને તેમાં ઈંધણ ભરવામાં આવ્યું હતું. 

જીએસએલવી-એમકે તૃતિય
ચંદ્રયાન-2ની સાથે જીએસએલવી-એમકે તૃતિયને પહેલા 15 જુલાઈના રોજ સવારે 2:51 કલાકે લોન્ચ કરવાનો હતો. જો કે લોન્ચિંગના એક કલાક પહેલા જ ટેક્નિકલ ખામી આવી જતા લોન્ચિંગ ટળ્યું હતું. ત્યારબાદ 44 મીટર લાંબા અને લગભગ 640 ટન વજનના જિયોસિંક્રોનાઈઝ સેટેલાઈટ લોન્ચ વ્હીકલ માર્ક તૃતીય (જીએસએલવી-માર્ક તૃતીય)ની ટેક્નિકલ  ખામીને દૂર કરાઈ. જીએસએલવી-માર્ક તૃતિયનું ઉપનામ બાહુબલી ફિલ્મ પરથી રખાયું છે. 

બાહુબલી ફિલ્મનો નાયક જે રીતે વિશાળ ભારે ભરખમ શિવલિંગ ઉઠાવે છે, તે જ રીતે રોકેટ પણ 3.8 ટન વજનનું ચંદ્રયાન-2 અંતરિક્ષ યાનને ઉઠાવીને અંતરિક્ષમાં લઈ જઈ રહ્યું છે. 
 

જુઓ LIVE TV

સાઉથ પોલ ઉપર જ કેમ કરાશે લેન્ડિંગ
મિશન મૂન હેઠળ ચંદ્રયાન-2 ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર જ લેન્ડિંગ  કરશે. વાત જાણે એમ છે કે ચંદ્ર પર ફતેહ મેળવી ચૂકેલા અમેરિકા, રશિયા અને ચીને હજુ સુધી આ જગ્યા પર પગ મૂક્યો નથી. ચંદ્રમાના આ ભાગ અંગે બહુ જાણકારી સામે આવી નથી. ભારતના ચંદ્રયાન-1 મિશન દરમિયાન સાઉથ પોલમાં બરફ અંગે જાણકારી મળી હતી. ત્યારથી ચંદ્રના આ ભાગ પ્રત્યે દુનિયામાં રસ પેદા થયો છે. ભારત આ વખતના મિશનમાં સાઉથ પોલની નજીક જ પોતાનું યાન લેન્ડ કરાવશે. એવું માનવામાં આવી રહ્યું છે કે ભારત મિશન મૂન હેઠળ બીજા દેશો પર લીડ મેળવી લેશે. કહેવાય છે કે ચંદ્રયાન-2 દ્વારા ભારત એક એવો અનમોલ ખજાનો મેળવી શકે છે જેનાથી આગામી 500 વર્ષ સુધી માનવીય જરૂરિયાતો પૂરી કરી શકાય તેમ છે અને આ સાથે ખરબો ડોલરની કમાણી પણ થઈ શકે છે. ચંદ્રથી મળનારી આ ઉર્જા સુરક્ષિત તો હશે જ પરંતુ સાથે સાથે તેલ, કોલસા અને પરમાણુ  કચરાથી થનારા પ્રદૂષણથી મુક્ત હશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news